ઇતિહાસ
ફેરફાર કરો
આ બંદર પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે શોધ્યું હતું એમ મનાય છે. એ વખતે આ સ્થળે શૈવમંદિર અને પાશુપત સાધુઓ હોવાનું હ્યુ-એન-ત્સાંગના વણન ઉપરથી લાગે છે. આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. ગામથી કોટેશ્વરનું મંદિર એક માઈલ છેટે ટેકરા ઉપર આવેલું છે. દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સં. ૧૮૭૭માં બંધાયું છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કશી નિશાનીઓ જળવાઈ નથી. અત્યારે કોટેશ્વર અને નીલકંઠ બે શૈવમંદિરો ફકત છે, પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતાં કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે અને એ મંદિરના પાશુપત આચાર્યોનું જોર હશે એમ લાગે છે. કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરના અવશેષો વિખેરાયેલા જોવા મળે છે.
કથા
ફેરફાર કરો
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.